ભારતીય જનતાપક્ષના નેતૃત્ત્વ હેઠળ નાણામંત્રી ડૉ. નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારનું આઠમી વખત વર્ષ ૨૦૨૫-૨૬ માટે અંદાજપત્ર રજૂ કર્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું અંદાજપત્ર ‘વિકસિત ભારત ૨૦૪૭’ના લક્ષ્યની પ્રતિબદ્ધતા સાથે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટેનું તેમજ પહેલી વખત મધ્યમવર્ગને ખરેખર ‘ગુડ ફીલ’ કરાવનાર અંદાજપત્ર કહી શકાય. કેન્દ્ર સરકારે પ્રસ્તુત અંદાજપત્રમાં કૃષિ, ઉર્જા, ઉદ્યોગ, શહેર, વિત્તિય માળખાકીય ફેરફારો કર્યા છે. પ્રસ્તુત અંદાજપત્ર ૨૦૨૫-૨૬ આર્થિક વૃદ્ધિ કેન્દ્રિત છે, કૃષિ ઉત્પાદકતા વૃદ્ધિ, ખાદ્ય સ્વાવલંબન, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોમાં મૂડીરોકાણ વૃદ્ધિ, આવકવેરામાં રાહત, શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો અને વિશેષ કર માળખામાં ફેરફાર વગેરે મહત્ત્વના પગલાઓ છે. ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની મહત્ત્વની જોગવાઇઓ આ મુજબ છે.
કૃષિક્ષેત્રની વૃદ્ધિ:
કૃષિ ક્ષેત્રની ઉત્પાદક, રોજગારી, કઠોળ પેદાશોમાં સ્વાવલંબન વધારવા માટે મહત્ત્વના પગલાઓ લેવાય છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ નીચી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓ પસંદ કરીને કૃષિ વિકાસ માટે સિંચાઇ, ધિરાણ સંબંધિત સુવિધાઓ દ્વારા અંદાજે ૧.૭ કરોડ ખેડૂતોને પ્રત્યક્ષરીતે લાભ આપીને કૃષિઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવાનો અને ધકકાપ્રેરિત સ્થળાંતર અટકાવવાનો ઉદેશ્ય છે. આ ઉપરાંત ખાદ્ય તેલ પેદાશો અને તુવેર, અડદ અને મસૂર દાળ જેવા કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા ધ્યેય છે. પોષણવૃદ્ધિ માટે મખાનામાં મૂલ્ય વૃદ્ધિ અને બજાર વ્યવસ્થાનું માળખું પૂરું પાડીને બિહારમાં રોજગારી સર્જન કરવામાં આવશે. કપાસની ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ઉત્પાદકતા અને ખેડૂતોની આવક આવનાર પાંચ વર્ષનો લક્ષ્યાંક છે. અંદામાન અને નિકોરબારમાં દરિયાઈ ખેતી વિકાસ કરવામાં આવશે. આત્મનિર્ભર યુરિયા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ ક્ષમતા ૩-૫ લાખ વધારીને કુલ ૭.૭ કરોડ ખેડૂતોને તેનો લાભ આપવામાં આવશે. સમગ્રરીતે કહી શકાય કે પ્રસ્તુત અંદાજપત્રમાં કૃષિ વિકાસ માટે સંસ્થાકીય, નાણાંકીય અને તકનીકી ફેરફારો ધ્યાન ખેંચે છે.
મધ્યમ અને નાના ઉદ્યોગ
નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારતના વિકાસમાં નાના અને મધ્યમ ઉદ્યોગો અર્થતંત્રમાં કુલ નિકાસમાં ૪૫ ટકા અને કુલ ૭.૫ કરોડ રોજગારીનું સર્જન કરીને મહત્ત્વની ભૂમિકા ભજવે છે, નાના ઉદ્યોગોના વિકાસ માટે ધિરાણ ક્ષમતા ૫-૭ કરોડની જ્યારે પસંદ કરેલ ૨૭ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ વિકાસ માટે ૧૦-૨૦ કરોડની શાખ ક્ષમતા વિસ્તારવામાં આવી છે. ઉપરાંત લઘુ ઉદ્યોગ માટે ૧૦,૦૦૦ કરોડ શાખ વૃદ્ધિ માટે ફાળવવામાં આવ્યા છે. લઘુ ઉદ્યોગમાં ૫ લાખ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ જેઓ નિયોજક તરીકે પ્રથમ પેઢી છે તેઓ માટે વિશેષ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ અંદાજપત્ર શ્રમિકોનું ઉત્પાદકતા અને ગુણવત્તા અને સામાજિક કલ્યાણ વધારવા પ્રથમ વખત એક કરોડ ગીગ શ્રમિકો માટે એ-શ્રમ પોર્ટલમાં નોંધણી અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય સેવાનો લાભ આપવામાં આવશે.
આ ઉપરાંત લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોને મૂડીરોકાણ અને ટર્નઓવરના આધારે વિભાવનામાં ફેરફાર થયો છે હવેના અંદાજપત્રમાં લઘુઉદ્યોગનું મૂડીરોકાણ ૨.૫ કરોડ (પહેલા ૧ કરોડ હતું), નાનાઉદ્યોગ ૧૦ કરોડના સ્થાને ૨૫ કરોડ અને મધ્યમ ઉદ્યોગ ૫૦ કરોડના સ્થાને ૧૨૫ કરોડ કરવામાં આવ્યું છે. ઉપરાંત ખાનગી-સહયોગ માટે ઈન્ડિયા પ્રોજેક્ટ ડેવલપમેંટ ફંડ માટે વિશેષ ૩૦ લાખ કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે. ડિજિટલ આંતરમાળખાકીય સુવિધાઓ, મૂડીરોકાણમિત્ર આંક, અને વ્યવસાયની પ્રક્રિયામાં સરળતા લાવવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. સમગ્ર રીતે પ્રસ્તુત અંદાજપત્રમાં લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ક્ષમતા, ઉત્પાદકતા વધારવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગરીબો, યુવા અન્નદાતા અને નારી વિકાસ
અંદાજપત્ર ૨૦૨૫-૨૬ માં ગરીબો, યુવા અન્નદાતા અને નારીના વિકાસ લક્ષ્યાંકો છે. ભારત યુવાઓનો દેશ છે આથી યુવા કૌશલ્ય, નિયોજકિય ક્ષમતા અને રોજગારી વધારવા માટેનો લક્ષાંક રાખવામાં આવ્યો છે. મુખ્યત્વે આંગણવાડી પોષણ, જિલ્લા હોસ્પિટલોમાં બાળ સંભાળ કેન્દ્રો વિકસાવવામાં આવશે. ભારતીય ભાષાઓમાં શાલેય અને ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે. અન્ય ૫ ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાઓ બિહારમાં વિકસવાશે. તબીબી હોસ્પિટલોમાં ૧૦,૦૦૦ નવીતબીબની બેઠકો વધારવામાં આવશે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના વિશેષ ૩ કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવાઓમાં સંશોધન વિકાસ માટે પ્રધાનમંત્રી સંશોધન ભંડોળ ભારતીય પ્રબંધન અને પ્રોદ્યોગિકી સંસ્થાઓને ૧૦૦૦૦ યુવાઓને ફાળવામાં આવશે. જ્ઞાન ભારત મિશન અંતર્ગત દેશના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા માટે ગ્રંથાલયો, સંગ્રહાલયો, વગેરેનો વિકાસ કરવામાં આવશે.
શહેરી ગરીબો ખાસ કરીને ફેરિયાઓની આજીવિકા સંવર્ધન માટે પ્રધાનમંત્રી સ્વનિધિ માટે ભંડોળ પૂરું પાડવામાં આવશે. શહેરી ક્ષેત્રોના સુધારાઓ માટે વિશેષ કરીને એક લાખ કરોડ ફંડની જોગવાઈ કરવામાં આવી છે.
આંતરમખાકિય સુવિધાઓ, ગ્રામ વિસ્તરમાં ૧૦૦ ટકા નળસેવા દ્વારા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું, શહેરી મધ્યમવર્ગ માટે આવાસ સુવિધા, ૫૦૦૦૦ કરોડનું સ્વામી ભંડોળ, પ્રવાસન વિકાસ, સ્વાસ્થ્ય પ્રવાસન ( પહાડી વિસ્તારો),જ્યારે બિહારમાં કોશી નહેર યોજના, ધાર્મિક (બુદ્ધ), એરપોર્ટ વગેરે વિકસાવવામાં આવશે.
ખેડૂત, યુવાઓ અને નીચી આવક ધરનાર, લઘુ ઉધ્યોગ સાહસિકોના વિકાસ ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
રાજકોષીય પગલાઓ
વર્ષ ૨૦૨૫-૨૬ ના કેન્દ્રીય અંદાજપત્રનું કુલ આવક ૫૦.૬ લાખ કરોડનો અંદાજ છે જેમાં મહેસૂલી આવકો ૩૪.૨ લાખ કરોડ અને મૂડીઆવક ૧૬.૪ લાખ કરોડ છે. જ્યારે કુલ ખર્ચનો અંદાજ ૫૪.૯ લાખ કરોડનો છે જેમાં મહેસૂલી ખર્ચ ૩૯.૯ લાખ કરોડ અને મૂડીખર્ચ ૧૫.૫ લાખ કરોડ ખર્ચ છે, એટલે કુલ અંદાજિત આવકોની સામે કુલ અંદાજિત ખર્ચ (સંયુક્ત મહેસૂલી અને મૂડી ખાતે) ૪.૩ લાખ કરોડ વધારે છે જે રાજકોષીય ખાધ છે.
અંદાજપત્રમાં રાજકોષીય ખાધનો અંદાજ જીડીપીના ૪.૪ ટકા છે, જે રાજકોષીય શિસ્ત (રાજકોષીય જવાબદારી અને અંદાજપત્ર વ્યવસ્થાપન કાયદો)ને અનુસરે છે, જોકે એ કાયદા મુજબ રાજકોષીય ખાધ ૩.૩ ટકા કરવાની છે, પરંતુ વિશાળ વસ્તી અને રાજ્યની જવાબદારીઓ, આંતરરાષ્ટ્રીય આર્થિક પરિવર્તનો રાજકોષીય ખાધને પ્રભાવિત કરે છે. આથી પ્રસ્તુત અંદાજપત્રમાં પણ જાહેર દેવું પણ રાજ્યની આવકનો સ્રોત બનશે.
મધ્યમ વર્ગ માટે વિશેષ જોગવાઈ
ભારત એ ઝડપથી વિકસતું અને વિશાળ વસ્તી ધરાવતો દેશ છે. કુલ વસ્તીમાં ૩૨ ટકા શહેરી વસ્તી છે જેમાં નિયત આવક ધરાવતો મધ્યમવર્ગ રાજકીય સમિકારણોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, દેશમાં કુલ કર ભરનારમાં મધ્યમવર્ગનું બહોળું પ્રમાણ છે. પ્રસ્તુત અંદાજપત્ર વિકસિત ભારતના ઉદ્દેશ્યને ધ્યાને રાખીને કરમાળખામાં ખાસ કરીને પ્રત્યક્ષ આવક વેરામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, આવકવેરાના સ્લેબમાં મોટો ફેરફાર કરીને ૧૨ લાખ સુધીની આવક ઉપર સૂન્ય આવકવેરો છે જોકે મહત્તમ આવકવેરો ૩૦ ટકા છે. વર્ષ ૨
પ્રસ્તુત અંદાજપત્ર આર્થિક વૃદ્ધિના દરની ગતિ ગતિ વધારનારું રહેશે, કૃષિ ઉત્પાદતા, ખાધ્ય પેદાશોમાં ખાસ કરીને કઠોળની આયાતો ઘટાડવા માટે મુખ્યત્વે તુવેર, અડદ અને મસૂરની દાળ માટેની સ્વાવલંબનની યોજના, યુવાઓમાં માનવ મૂડીરોકાણ અને સંશોધન અગ્રતા, દરિયાઈ ખેતી વિકાસ, વગેરે આત્મનિર્ભર અને સ્વાવલંબનના ધ્યેયો તરફ લઈ જશે. બીજું આવકવેરામાં મધ્યમવર્ગને મોટી રાહત આપવામાં આવી છે આથી તેઓના વપરાશ વધશે જે અર્થતંત્રમાં માંગનું સર્જન કરીને ઉત્પાદન અને આવકોમાં વધારો કરશે, જોકે ચિંતાનો વિષય એ છે કે, મધ્યમવર્ગ તેમની બચેલી આવક દ્વારા વિદેશી વસ્તુઓ અને સેવાઓના સ્થાને દેશી, સ્થાનિક વસ્તુઓની માંગ વધુ કરશે તો અર્થતંત્રની આર્થિક વૃદ્ધિને વેગ મળશે. પ્રસ્તુત અંદાજપત્રમાં સીધા ગરીબી નિવારણ માટેની જોગવાઈ જણાતી નથી, જોકે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલા સાહસિકતા વિકસાવવા માટે ભંડોળની જોગવાઈ કરી છે. આ અંદાજપત્રમાં પણ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪ ટકાનો અંદાજ છે, જોકે આંતરરાષ્ટ્રીય પરિબળો અને દેશની રાજકોષીય તંદુરસ્તી જોતાં કહી શકાય કે કેન્દ્રસરકારે આવનાર સમયમાં રાજકોષીય શિસ્ત જાળવવા માટે ઘણી મથામણ કરવી પડશે.